Spiritual-Living

અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અવિરત પત્રલેખન


લોકકલ્યાણ, સુખ, શાંતિ વગેરે માટે પત્ર દ્વારા શી સેવા થઈ શકે એ સ્વામીશ્રી સારી રીતે જાણે છે. એટલે તો એમણે સત્સંગીઓ કે હરિભક્તોના નાનામોટા કોઈ પણ ક્ષેત્રના પ્રશ્નોમાં પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. પ્રશ્ન થાય કે સતત પ્રવૃત્તિશીલ સ્વામીશ્રી આ પત્રવ્યવહાર માટે સમય ક્યાંથી કાઢે છે ?
એનુંય સ્વામીશ્રી પાસે અસરકારક આયોજન છે. પ્રવચન દરમ્યાન, કારમાં, ટ્રેઇનમાં, રેલવેના પ્લૅટફૉર્મ ઉપર ગાડીની પ્રતીક્ષા સમયે, બપોરે આરામના સમયે, ક્યારેક લિફ્ટમાં, ચાલુ નગરયાત્રા સમયે, સમારંભોમાં પ્રવચનો ચાલતાં હોય એ સમયે, ફોન કરતાં કરતાં વાતચીત દરમ્યાન પણ એ પત્રવાચન કરી લે છે અને લખવાનો અવકાશ હોય ત્યાં લખી પણ લે છે. એ જાણીને આશ્ચર્ય થશે કે એક વાર લીંબડી નગરપાલિકા તરફથી યોજાયેલા ખુદ પોતાના સન્માન સમારંભમાં નગરજનો વતી રાજ્યના નાણામંત્રી અને નગરપતિ સન્માનપત્ર આપવા છેક પાસે આવ્યા ત્યાં સુધી સ્વામીશ્રી પત્રો વાંચતા હતા!
વાસદમાં સ્વામીશ્રીને ૧૦૨ ડિગ્રી તાવ હતો. સ્વામીશ્રીએ કોઈને જણાવ્યું નહીં. ૧૨૨ પધરામણીઓ કરીને ઉતારે આવ્યા પછી નિર્જળા ઉપવાસ હોવા છતાં બપોરનો બધો જ સમય એમણે પત્રલેખનમાં ગાળ્યો !
દેવગઢબારિયામાં પત્રો લખતાં લખતાં ઇલેક્ટ્રિક પાવર જતાં અંધારું થઈ ગયું. પણ સ્વામીશ્રીએ મીણબત્તીના ઝાંખા અજવાળામાં પણ પત્ર લખવાનું ચાલુ રાખ્યું.

મુંબઈમાં ડૉ. દીક્ષિતને ત્યાં સ્વામીશ્રી દાંતનો એક્સ-રે લેવડાવવા ગયા હતા ત્યારે ડૉક્ટરે એમને બોલાવ્યા ત્યાં સુધી પ્રતીક્ષાખંડમાં પત્રો વાંચતા રહ્યા. એટલું જ નહીં પણ છેક મશીન સુધી પહોંચ્યા ત્યાં સુધી બે હાથમાં પત્ર પકડી રાખીને ચાલતાં ચાલતાં એને વાંચ્યે ગયા !

No comments:

Post a Comment